નવી દિલ્હી, 25 ડિસેમ્બર (હિં.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે (26 ડિસેમ્બર) સવારે 10:30 વાગ્યે, નવી દિલ્હીના ભારત મંડપમમાં ‘વીર બાલ દિવસ’ નિમિત્તે આયોજિત, કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે વડાપ્રધાન દિલ્હીમાં યુવાનોના માર્ચ-પાસ્ટને પણ ફ્લેગ ઓફ કરશે.
વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) એ સોમવારે, એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી. તેમાં કહેવામાં આવ્યું છે કે,” આ દિવસને ચિહ્નિત કરવા માટે, સરકાર સાહિબજાદાઓની અનુકરણીય હિંમતની વાર્તા વિશે નાગરિકોને, ખાસ કરીને નાના બાળકોને માહિતગાર કરવા, અને શિક્ષિત કરવા માટે દેશભરમાં ઇન્ટરેક્ટિવ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. દેશભરની શાળાઓ અને બાળ સંભાળ સંસ્થાઓમાં, સાહિબજાદોની જીવનગાથા અને બલિદાનની વિગતો દર્શાવતું ડિજિટલ પ્રદર્શન પ્રદર્શિત કરવામાં આવશે. ‘વીર બાલ દિવસ’ પર એક ફિલ્મ પણ દેશભરમાં પ્રદર્શિત કરવામાં આવશે. ઇન્ટરેક્ટિવ ક્વિઝ જેવી વિવિધ ઓનલાઈન સ્પર્ધાઓ પણ હશે, જે માય ભારત અને માય ગોવ પોર્ટલ દ્વારા આયોજિત કરવામાં આવશે.”
નોંધનીય છે કે, 9 જાન્યુઆરી 2022 ના રોજ, શ્રી ગુરુ ગોવિંદ સિંહના પ્રકાશ પર્વના દિવસે, વડાપ્રધાને જાહેરાત કરી હતી કે, શ્રી ગુરુ ગોવિંદ સિંહના પુત્રો સાહિબજાદો બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહની શહાદત નિમિત્તે, 26 ડિસેમ્બરે ‘વીર બાળ દિવસ’ ના રૂપમાં ઉજવવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / દધીબલ / માધવી
