સુરત,25 ડિસેમ્બર (હિ.સ.) કતારગામ GIDC વિસ્તારમાં ગેસ રી-ફિલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેસ ભરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેથી દિવાલોને પણ નુકસાન થયું હતું. સાથે ગેસ રિફિલિંગ વખતે થયેલા બ્લાસ્ટમાં એક બાળક સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. આસપાસમાં ડરનો માહોલ છવાયો હતો. જેથી તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
બ્લાસ્ટ થતા ફાયર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. મોટી બોટલમાંથી નાની બોટલો ભરવામાં આવતી હતી. આ ગેરકાયદે ગેસ રી ફિલિંગની કામગીરી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે. મહત્વપૂર્ણ છે કે, થોડા સમય અગાઉ પણ પુણા વિસ્તારમાં પણ આ રીતે થતી કામગીરીમાં પણ બ્લાસ્ટ થવાની દુર્ઘટના સર્જાઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
