
– શ્રી ક્ષત્રિય યુવક સંઘના સ્થાપક પૂજ્ય શ્રી તનસિંહજીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે સ્થાપના દિવસની ઉજવણી
અમદાવાદ,23 ડિસેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રી ક્ષત્રિય યુવક સંઘના 78મા સ્થાપના દિવસ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. અમદાવાદના નિકોલ ખાતે શ્રી ક્ષત્રિય યુવક સંઘના સ્થાપક પૂજ્ય શ્રી તનસિંહજીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી ક્ષત્રિય યુવક સંઘના સ્થાપના દિવસ સમારોહ પ્રસંગે જણાવ્યું કે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપ્રથમની ભાવનાથી નેતૃત્વ કરીને સમગ્ર વિશ્વમાં દેશની
તાકાત વધારી છે. તેમના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ થકી દેશ આજે સર્વાંગી ક્ષેત્રે પ્રગતિ કરી
રહ્યો છે. ભારતનું સામાજિક અને સાંસ્કૃતિક ઐક્ય વધુ પ્રબળ બને તેવો વડાપ્રધાનનો સંકલ્પ
રહ્યો છે. તેમના માર્ગદર્શનમાં આપણે G20 ઇવેન્ટની સફળતાપૂર્વક યજમાની કરીને વસુધૈવ
કુટુમ્બકમ ની ભાવના સાર્થક કરી છે એમ તેમણે ઉમેર્યું હતુ.
શ્રી ક્ષત્રિય યુવક સંઘ વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શ્રી ક્ષત્રિય યુવક સંઘના
સ્થાપક પૂજ્ય શ્રી તનસિંહજીએ રાષ્ટ્ર ઘડતરમાં ચારિત્ર્ય નિર્માણને મહત્વ આપ્યું હતું. ક્ષાત્રવૃત્તિનું
વ્યક્તિગત ચારિત્ર્ય નિર્માણ કરીને સામાજીક ઉચ્ચ આદર્શો સક્રિય કરવા માટે પૂજ્ય શ્રી
તનસિંહજીએ શ્રી ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના કરી હતી. આ સંઘનો આજે 78મો સ્થાપના દિવસ
ઉજવાઈ રહ્યો છે.
ક્ષત્રિય યુવક સંઘની કાર્યપ્રણાલીનો આધાર પણ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે. આજે ગીતા જયંતિ
પર્વનો પણ સંયોગ છે. સમાજમાં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વર્ણવેલા ગુણ, કર્મ અને સ્વભાવને
અનુરૂપ ક્ષાત્રધર્મના પાલન માટે શાખા અને શિબિરોના માધ્યમથી સામાજિક જન જાગૃતિ માટે
ક્ષત્રિય યુવક સંઘ સતત પ્રયત્નશીલ છે. તે પોતાની સામૂહિક સંસ્કારમયી કાર્યપ્રણાલી દ્વારા ક્ષત્રિય
યુવકોમાં સદગુણોના અભ્યાસ તેમજ દુર્ગુણોથી વૈરાગ્ય કરાવીને સંસ્કાર નિર્માણ કરે છે, જે સમાજ
માટે ગૌરવની વાત છે. 76 વર્ષમાં 2858 શિબિરોમાં હજારો સ્વયંસેવકોએ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે.
ક્ષત્રિય સમાજ વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ઇતિહાસ સાક્ષી છે કે કેટલાય ક્ષત્રિય
વીર સપૂતોએ રાષ્ટ્ર એકતાને અખંડ રાખવા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યાં છે. જામનગરની
ભૂમિ પર થયેલો ભૂચર મોરીનો સંગ્રામ તથા સોમનાથના રક્ષણ માટે વીર હમીરજીનો સંગ્રામ
જેવી ક્ષત્રિય રાજપૂતોની ઘણી શૌર્ય ગાથાઓ ઈતિહાસના પાને અમર થયેલી છે. રાષ્ટ્રીય એકતાનું
મહત્વ આ સમાજ સુપેરે સમજે છે. દેશના ક્ષત્રિય રજવાડાંઓએ પોતાના રજવાડાંઓના
વિલીનીકરણ દ્વારા એક અને અખંડ ભારતના નિર્માણમાં અદકેરું પ્રદાન કર્યું હતું. દેશની એકતામાં
ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર રજવાડાઓની બેનમૂન ચીજવસ્તુઓ અને શાસ્ત્રોને પ્રદર્શિત કરતું મ્યુઝિયમ
એકતાનગર, સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સાકાર થવા જઈ રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધી
દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને
ઉન્નત સમાજનું ઘડતર કરવા આવા સામાજિક સ્નેહમિલન કાર્યક્રમો યોગ્ય મંચ છે એમ તેમણે
ઉમેર્યું હતું.
આ પ્રસંગે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન
કરીને શ્રી ક્ષત્રિય યુવક સંઘની સમાજ સુધારણા અને અન્ય કામગીરી તથા એકતાને બિરદાવી
હતી.
હિન્દુસ્થાન સમાચાર/
