મોડાસા,22 ડિસેમ્બર (હિ.સ.) હિંમતનગરની હિંમત હાઇસ્કૂલમાં નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા 1400 વિધાર્થીઓને ભૂકંપ,આગ લાગવી સહિતની આપ્તિઓમાં કેવી રીતે બચવું અને કેવી રીતે બચાવ કામગીરી કરવી તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ સહિત ડિઝાસ્ટરના અધિકારીઓ હાઇસ્કૂલના આચાર્ય સુરેશ પટેલ, સ્થાનિક પાલિકા સદસ્ય હાજર રહ્યા હતા.
હિંમતનગર નગર પાલિકાના ફાયર વિભાગના મયંક પટેલ ટીમ સાથે હિંમતનગરમાં ટાવર ચોકમાં આવેલી હિંમત હાઇસ્કૂલમાં આવી પહોંચ્યા હતા. બાદમાં ફાયર વિભાગની ટીમ આગ લાગવાની ઘટના, ભૂકંપની ઘટના, ઘરમાં ગેસની બોટલ સળગવાની ઘટના, કુવામાં કે નદીમાં ડૂબવાની ઘટનામાં કેવી રીતે બચાવ કામગીરી કરવી તે અંગે થીયરીકલ 1400 વિધાર્થીઓ અને 70 શિક્ષકોને સમજાવ્યું હતું.
ત્યાર બાદ એક બાદ એક ઘટનાને લઈને પ્રેક્ટીકલ ડેમો કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગ પાસેના અદ્યતન સાધનો પણ બતાવવામાં આવ્યા હતા. તો તેનાથી શું થાય અને કેવી રીતે ઉપયોગ કરી શકાય તે પણ પ્રેક્ટીકલ બતાવવામાં આવ્યું હતું. ખાસ કરીને ભૂકંપ અને આગ લાગવાની ઘટનામાં ભાર મુક્યો હતો. આવી ઘટનામાં બચાવ કામગીરી કેવી રીતે કરી શકાય તેને લઈને માહિતીસભર ડેમો રજૂ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/હર્ષ શાહ
