વડોદરા/અમદાવાદ,21 ડિસેમ્બર (હિ.સ.) વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે. જેનો મૂળ ઉદ્દેશ્ય રાજ્યના છેવાડાના માનવીને સરકારી યોજનાઓની જાણકારી મળવા સાથે પાત્ર ધરાવતા લાભાર્થીઓને યોજનાઓના લાભ આપવાનો છે. વડોદરા જિલ્લામાં પણ વિકસિત ભારત વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડાઓમાં ફરી રહી છે. આ યાત્રા દરમ્યાન દરેક ગામમાં અનેક લાભાર્થીઓ પોતાને મળેલા યોજનાકીય લાભો અંગે ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત પ્રતિભાવો આપી રહ્યા છે.
કરજણ તાલુકાના નવી જીથરડી ગામના ભીખીબેન વસાવાને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યોછે. તેઓ પોતાને મળેલા લાભ અંગે પ્રતિભાવ આપતા કહે છે કે, પહેલા ચૂલા પર રસોઈ બનાવવામાં આંખોમાં બળતરા થવી, શ્વાસનળીમાં ધુમાડો જવો, ખાંસી આવવી જેવી અનેક તકલીફો ઉપરાંત રસોઈ બનાવવામાં સમયનો પણ ઘણો બગાડ થતો હતો. ઘરમાં બધા માટે દિવસનો અડધો સમય તો મારો રસોડામાં જ જતો હતો. જેથી બાળકો અને પરિવારને તેઓ સમય આપી શકતા ન્હોતા. પરંતુ, હવે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત જ્યારથી તેને ગેસના ચૂલા અને સિલિન્ડર મળ્યા છે, ત્યારથી તેને દમ ઘૂંટતા ધુમાડાથી મુક્તિ મળી છે.
હવે બળતણ માટે લાકડાં વીણવા જવાં, છાણ અને કોલસાની ઝંઝટ રહી નથી. વરસાદમાં સૂકા લાકડાં ન મળતાં ઘણીવાર જમવાનું બનાવવામાં જે પરેશાની થતી હતી, તે હવે સરકાર તરફથી ગેસકીટ મળતાં આ બધી વ્યથાઓમાંથી મુક્તિ મળી છે. ભીખીબેને સરકારનો આભાર વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, સરકારે મહિલાઓ માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે, આ યોજનાઓ ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા તેમણે પાત્રતા ધરાવતી મહિલાઓને આગ્રહ કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર/
