નવી દિલ્હી, 20 ડિસેમ્બર (હિં.સ.) કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે,” આજે આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાએ, દેશમાં જન આંદોલનનું સ્વરૂપ લીધું છે. આ યોજના વિશ્વની શ્રેષ્ઠ આરોગ્ય સંભાળ યોજના છે, જેના દ્વારા દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને પણ આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.”
બુધવારે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનાઓ વિશે મીડિયા સાથે વાત કરતી વખતે અર્જુન મંડાએ કહ્યું હતું કે,” વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારની, પ્રાથમિકતાઓમાં આરોગ્ય ક્ષેત્ર ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કેન્દ્ર સરકાર દેશના તમામ નાગરિકોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે કામ કરી રહી છે. આ દિશામાં વડાપ્રધાને યુવાનોને, ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ સાથે જોડ્યા છે. જો યુવાનો ફિટ રહેશે તો તેઓ દેશના વિકાસમાં ભાગીદારી સુનિશ્ચિત કરી શકશે.”
તેમણે કહ્યું કે, “દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને ધ્યાનમાં રાખીને દેશને ટીબી મુક્ત ભારત બનાવવાની દિશામાં પણ મિશન મોડમાં કામ શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે, તાજેતરમાં આરોગ્ય મંત્રાલયે આદિજાતિ મંત્રાલય સાથે મળીને સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન-2047 શરૂ કર્યું છે. આ વિશ્વનો નવતર કાર્યક્રમ છે. જે 7.5 કરોડ લોકોની વસ્તીને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યો છે.” તેમણે કહ્યું કે,” સિકલ સેલ એનિમિયા 1956માં જોવા મળ્યો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને નાબૂદ કરવાની દિશામાં કામ શરૂ કર્યું હતું. આ અભિયાનમાં અત્યાર સુધીમાં 90 લાખ ડેટા બનાવવામાં આવ્યો છે. 16 લાખ લોકો સિકલ સેલ એનિમિયાના વાહક હોવાનું જાણવા મળ્યું છે.”
અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે,” આજે દેશમાં આરોગ્ય સંભાળ અને સંશોધન સંસ્થાઓ તરીકે 23 એઈમ્સ છે, જેમાંથી ત્રણ નિર્માણાધીન છે. તે પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે.” તેમણે કહ્યું કે,” આયુષ્માન ભારત કાર્ડ બનાવવાની સાથે આજે 1.37 લાખથી વધુ જન આરોગ્ય મંદિરો છે. જ્યાં વિકાસ ભારત સંકલ્પ યાત્રા અભિયાન હેઠળ લોકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે. લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. જેના દ્વારા તેઓ એક વર્ષમાં 5 લાખ રૂપિયા સુધીની આરોગ્ય સેવાઓ મેળવી શકે છે.”
કોરોનાના નવા પ્રકાર અંગે તેમણે કહ્યું કે,” આરોગ્ય મંત્રી બુધવારે તમામ રાજ્યો સાથે બેઠક કરી રહ્યા છે, પરંતુ લોકોએ પણ સતર્ક રહેવાની જરૂર છે.”
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ / માધવી
