નવી દિલ્હી, 19 ડિસેમ્બર (હિ. સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે રાત્રે 9:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન-2023ના ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. વડાપ્રધાન આ સહભાગીઓને સંબોધન પણ કરશે. પીઆઈબીના જાહેરનામામાં, આ માહિતી આપવામાં આવી છે.
પીઆઈબીના એક રીલીઝ મુજબ, સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન એ યુવા નેતૃત્વના વિકાસના વડાપ્રધાનના વિઝનને અનુરૂપ, દેશવ્યાપી પહેલ છે. આ અંતર્ગત વિદ્યાર્થીઓને સરકારી મંત્રાલયો અને વિભાગો, ઉદ્યોગો અને અન્ય સંસ્થાઓની, ગંભીર સમસ્યાઓ ઉકેલવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે.
સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન, 2017 માં શરૂ કરવામાં આવી હતી, જેણે યુવા સંશોધકોમાં ખૂબ લોકપ્રિયતા મેળવી છે. છેલ્લી પાંચ આવૃત્તિઓમાં સ્થાપિત સ્ટાર્ટઅપ્સ તરફથી વિવિધ ક્ષેત્રોમાં ઘણા નવીન ઉકેલો બહાર આવતા જોવા મળ્યા છે. આ વર્ષે, આજથી શરૂ થયેલ ગ્રાન્ડ ફિનાલે 23 ડિસેમ્બરે સમાપ્ત થશે.
રીલીઝ મુજબ, સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન-2023 ને 44,000 ટીમો તરફથી 50,000 થી વધુ આઈડિયા પ્રાપ્ત થયા છે. આ પહેલા કરતા લગભગ સાત ગણું વધારે છે. દેશભરના 48 નોડલ કેન્દ્રો પર યોજાનારી, ગ્રાન્ડ ફિનાલેમાં 12,000 થી વધુ સહભાગીઓ અને 2500 થી વધુ કાઉન્સેલર્સ અને માર્ગદર્શકો ભાગ લેશે. સ્પેસ ટેક્નોલોજી, સ્માર્ટ એજ્યુકેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રોબોટિક્સ અને ડ્રોન, વિરાસત અને સંસ્કૃતિ સહિત વિવિધ થીમ્સ પર સોલ્યુશન્સ આપવા માટે, આ વર્ષે ગ્રાન્ડ ફિનાલે માટે કુલ 1282 ટીમોની પસંદગી કરવામાં આવી છે.
આ ટીમો 25 કેન્દ્રીય મંત્રાલયો અને રાજ્ય સરકારોના 51 વિભાગોમાંથી 231 સમસ્યા નિવેદનો (176 સોફ્ટવેર અને 55 હાર્ડવેર)ના ઉકેલો પ્રદાન કરશે. સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2023ની કુલ ઈનામી રકમ રૂ. 2 કરોડથી વધુ છે. દરેક વિજેતા ટીમને, સમસ્યા નિવેદન દીઠ રૂ.1 લાખનું રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ / માધવી
