
નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિ. સ.). સરકાર ફરી એકવાર સોનામાં રોકાણ કરવાની મોટી તક આપી રહી છે. સોવરેન ગોલ્ડ બોન્ડ (એસજીબી)નો ત્રીજો તબક્કો સોમવારથી (આજે) રોકાણ માટે ખોલવામાં આવ્યો છે. 22મી ડિસેમ્બર સુધી આમાં રોકાણ કરવાની તક છે. બોન્ડ 28 ડિસેમ્બરે જારી કરવામાં આવશે. આ વખતે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ એસજીબી માટે 6,199 રૂપિયા પ્રતિ ગ્રામ ઇશ્યૂ કિંમત નક્કી કરી છે.
સોવરેન ગોલ્ડ બોન્ડ એ સરકારી બોન્ડ છે. આ બોન્ડ એક ગ્રામ સોનાનું છે. આ બોન્ડની કિંમત એક ગ્રામ સોનાની બરાબર હશે. સોવરેન ગોલ્ડ બોન્ડમાં તમે 24 કેરેટ એટલે કે 99.9 ટકા શુદ્ધ સોનામાં રોકાણ કરો છો. તે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવે છે. એસજીબી માં રોકાણ કરવાથી વાર્ષિક 2.50 ટકા વ્યાજ મળે છે. જો પૈસાની જરૂર હોય તો બોન્ડ સામે લોન પણ લઈ શકાય છે.
જે રોકાણકારો આ બોન્ડ માટે ઓનલાઈન અરજી કરે છે અને ડિજિટલ માધ્યમથી ચુકવણી કરે છે તેમને ફેસ વેલ્યુમાંથી રૂ. 50 પ્રતિ ગ્રામનું ડિસ્કાઉન્ટ મળશે. એસજીબી ની પાકતી મુદત આઠ વર્ષ છે. પાકતી મુદત પૂરી થયા પછી તેનાથી થતા નફા પર કોઈ ટેક્સ લાગતો નથી. જો તમે તમારા પૈસા પાંચ વર્ષ પછી ઉપાડો છો, તો તેનાથી થતા નફા પર 20.80 ટકા ટેક્સ લાગે છે.
આ બોન્ડ સુનિશ્ચિત કોમર્શિયલ બેંકો (સ્મોલ ફાઇનાન્સ બેંકો, પેમેન્ટ બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો સિવાય), સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એસએચસીઆઈએલ), નિયુક્ત પોસ્ટ ઓફિસો અને સ્ટોક એક્સચેન્જો – નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડિયા લિમિટેડ (એનએસઇ) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (બીએસએલ) દ્વારા ખરીદી કરી શકાય છે.
આ બોન્ડમાં રોકાણ માટેની મહત્તમ મર્યાદા વ્યક્તિઓ માટે 4 કેજી, એચયુએફ (હિન્દુ અવિભાજિત કુટુંબ) માટે 4 કેજી અને ટ્રસ્ટ અને સમાન સંસ્થાઓ માટે 20 કેજી છે. આ પછી, એસજીબી ની ચોથી શ્રેણી 12-16 ફેબ્રુઆરી સુધી રિલીઝ થશે. નોંધનીય છે કે, ભારત સરકારે નવેમ્બર 2015માં સોવરેન ગોલ્ડ બોન્ડ લોન્ચ કર્યા હતા. એસજીબી નો હેતુ ભૌતિક સોનાની માંગ ઘટાડવા અને બચતને પ્રોત્સાહન આપવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/મુકુંદ / ડો. હિતેશ
