મોડાસા, 15 ડિસેમ્બર(હિ. સ.)એસટી સ્ટેન્ડનો કર્મી નિવૃત્ત થઇ જતાં ત્રણ માસથી પોઇન્ટ બંધ – Divya Bhaskar
એસટી સ્ટેન્ડનો કર્મી નિવૃત્ત થઇ જતાં ત્રણ માસથી પોઇન્ટ બંધ
ભિલોડા ડેપોની લાલીયાવાડીના પગલે મુસાફરો અને વિદ્યાર્થીઓને પાસ માટે ઇડરના ધરમ ધક્કા
ભિલોડા ડેપોનો વિજયનગર એસટી પીક અપ સ્ટેન્ડનો કર્મચારી વયનિવૃત્ત થતાં ગત ત્રણ મહિનાથી પોઇન્ટ બંધ હોઈ મુસાફર વિદ્યાર્થી પાસ માટે વિદ્યાર્થીઓ અને મુસાફરોએ ભિલોડા ઈડરના ધક્કા ખાવા પડતાં હોઈ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જેમાં ભિલોડા ડેપોની લાલીયાવાડી ના પગલે મુસાફર વિદ્યાર્થી ને આર્થિક રીતે હેરાન થવું પડતું હોઈ તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરવા માંગણી ઉઠી છે.
આ અંગે નિયમિત આવજા કરતાં અને મુસાફર પાસ ધરાવતા અન્દ્રોખા કોલેજના પ્રાધ્યાપક પંકજભાઈ પરમારના જણાવ્યા અનુસાર વિજયનગરમાં એસટી ડેપોની સુવિધાથી વંચિત પ્રજાજનોને માટે વિજયનગર એસટી પીક અપ સ્ટેન્ડ પર ભિલોડા ડેપો દ્વારા એક કર્મચારીની નિમણૂંક કરી શાળા, આઈ.ટી. આઈ.કોલેજ માં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ અને નિયમિત ઈડર ભિલોડા હિંમતનગર આવજા કરતાં મુસાફરો માટે પાસ કાઢી આપવાની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ હતી. જોકે વિજયનગર પીક અપ સ્ટેન્ડ પર ભિલોડા ડેપો દ્વારા નિયુક્ત કર્મચારી વય નિવૃત્ત થતાં ગત ત્રણ મહિનાથી પીક અપ સ્ટેન્ડનો પોઇન્ટ બંધ હોઈ મુસાફર અને વિદ્યાર્થી પાસ કઢાવવા વિદ્યાર્થીઓએ આર્થિક નુકસાન ભોગવી ઈડર અને ભિલોડા ડેપોના ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે એસ.ટી.તંત્ર દ્વારા મુસાફરોના હિતમાં વિજયનગર પીક અપ બસ સ્ટેન્ડનો પોઇન્ટ પુનઃ શરૂ કરવા અને કર્મચારીની કાયમી નિમણૂં કરવા માંગણી ઉઠી છે. ભિલોડા ડેપો મેનેજર રાજેન્દ્રસિંહે જણાવ્યું કે ભિલોડા ડેપોમાં હાલ કર્મચારીઓની અછત છે અને એસ.ટી.દ્વારા નવી એપના ઇન્સ્ટોલેશનની કામગીરીને કારણે હાલ કર્મચારીઓને તાલીમ અપાતી હોઇ આ સ્થિતિ પેદા થઈ છે જે સત્વરે પૂર્વવત થશે.
.હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ
