નવી દિલ્હી, 14 ડિસેમ્બર (હિં.સ.) દેશમાં જથ્થાબંધ ફુગાવો નવેમ્બરમાં 0.26 ટકાના આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. આ પહેલા ઓક્ટોબર મહિનામાં, તે -0.52 ટકા હતો અને નવેમ્બર 2022માં તે 6.12 ટકા હતો.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ગુરુવારે જાહેર કરેલા ડેટામાં જણાવ્યું હતું કે,” જથ્થાબંધ ભાવ સૂચકાંક (ડબ્લ્યુપીઆઈ) પર આધારિત હોલસેલ ફુગાવાનો દર, નવેમ્બરમાં 0.26 ટકા હતો. ગયા મહિને જથ્થાબંધ ફુગાવાનો દર ઓક્ટોબરમાં -0.52 ટકા અને નવેમ્બર, 2022માં 6.12 ટકા હતો. જથ્થાબંધ ફુગાવાનો દર સાત મહિના પછી હકારાત્મક ક્ષેત્રમાં આવ્યો છે. જે એપ્રિલથી સતત શૂન્યથી નીચે રહ્યો હતો. ખાદ્ય ચીજોનો ફુગાવો નવેમ્બરમાં 8.18 ટકા હતો જે ઓક્ટોબરમાં 2.53 ટકા હતો.”
મંત્રાલયના જણાવ્યા અનુસાર,” નવેમ્બર 2023માં જથ્થાબંધ ફુગાવો હકારાત્મક ક્ષેત્રમાં રહ્યો હતો. જે મુખ્યત્વે ખાદ્ય પદાર્થો, ખનિજો, મશીનરી અને સાધનો, કોમ્પ્યુટર, ઈલેક્ટ્રોનિક અને ઓપ્ટિકલ ઉત્પાદનો, મોટર વાહનો, અન્ય પરિવહન સાધનો અને અન્ય ઉત્પાદિત માલસામાનના ભાવમાં વધારો થવાને કારણે હતો.”
આ સપ્તાહની શરૂઆતમાં નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટા અનુસાર, ખાદ્યપદાર્થોની વધતી કિંમતોને કારણે નવેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.55 ટકાની ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. હકીકતમાં, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ, તેની તાજેતરની દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષામાં સંકેત આપ્યો હતો કે, નવેમ્બર અને ડિસેમ્બરમાં ખાદ્ય ફુગાવો વધી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ / સુનીત / માધવી
