જયપુર, નવી દિલ્હી, 10 ડિસેમ્બર (હિ. સ.). શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં વોન્ટેડ, શૂટર રોહિત અને નીતિન ફૌજી ચંદીગઢમાં પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. તેમનો સહયોગી ઉધમ પણ ઝડપાઈ ગયો છે. આ તમામ સેક્ટર-22ની એક હોટલમાં રોકાયા હતા.
અધિક પોલીસ મહાનિર્દેશક (ક્રાઈમ) દિનેશ એમએનના જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત્રે હોટલમાં દરોડા પાડ્યા બાદ ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી રાજસ્થાન પોલીસ અને દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. ત્રણેયને પહેલા દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં લઈ જવામાં આવ્યા છે. ત્યાંથી તેમને જયપુર લાવવામાં આવશે.
તેણે જણાવ્યું કે, ગોગામેડીની હત્યા કર્યા બાદ ત્રણેય રાજસ્થાનથી હરિયાણાના હિસાર પહોંચ્યા હતા. અહીંથી મનાલી ગયા. આ પછી મનાલીથી ચંદીગઢ પહોંચ્યા. પોલીસ, ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તેમના સુધી પહોંચી હતી. આ પહેલા શનિવારે જયપુર પોલીસે શૂટરોને મદદ કરનાર રામવીર જાટની ધરપકડ કરી હતી. રામવીર નીતિન ફૌજીનો મિત્ર છે. દિલ્હી પોલીસને શનિવારે બપોરે 2 વાગ્યે ચંદીગઢમાં તેની હાજરી વિશે નક્કર માહિતી મળી હતી. દિલ્હી પોલીસના એડીજી (ક્રાઈમ) રવિન્દ્ર સિંહે રાજસ્થાન પોલીસ સાથે આ માહિતી શેર કરી છે. આ પછી જયપુર પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે તેની ધરપકડ માટે છટકું ગોઠવ્યું.
હિન્દુસ્થાન સમાચાર/દિનેશ સૈની/મુકુંદ / ડો. હિતેશ
