
નવી દિલ્હી, 9 ડિસેમ્બર(હિ. સ.) તમિલનાડુ ચક્રવાતથી ખૂબ પ્રભાવિત છે. ભારે વરસાદને કારણે ચેન્નાઈમાં પૂર આવ્યું હતું. ચેન્નાઈના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થયા છે. આ વખતે સુપરસ્ટાર રજનીકાંતના ઘરમાં પણ પાણી ભરાઈ ગયા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક્ટર રજનીકાંતનું ઘર ચેન્નાઈ ના પોઈસ ગાર્ડન વિસ્તારમાં છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, રજનીકાંતના ઘર પાસે પાણી જમા થઈ ગયું છે. ઘરની સામેનો રસ્તો પાણીમાં ડૂબી ગયો છે. જ્યારે વાવાઝોડું આવ્યું, ત્યારે રજનીકાંત અને તેમનો પરિવાર ચેન્નાઈમાં નહોતો. તેના ઘરનો વીડિયો તેના ફેન્સે અપલોડ કર્યો છે. રજનીકાંત હાલમાં થલાઈવર 170 ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મના શૂટિંગ માટે તે બહાર હતો.
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ, એટલે કે એક્ટર આમિર ખાન પણ ચેન્નાઈના પૂરમાં ફસાઈ ગયા છે. અભિનેતા વિષ્ણુ વિશાલે, ચેન્નાઈ ફાયર બ્રિગેડ દ્વારા તેમના બચાવનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. તે ફોટામાં આમિર ખાનને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોના વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ અને તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન સાથે ઉચ્ચ સ્તરીય બેઠક બાદ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ‘ તમિલનાડુ માં વાવાઝોડા અને પૂરને કારણે થયેલ જાનહાનિથી વડાપ્રધાન મોદી ખૂબ જ દુઃખી છે અને રૂ. 450 કરોડનો પ્રથમ હપ્તો પહેલેથી જ આપી દેવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદીએ, રૂ. 450 કરોડનો બીજો હપ્તો ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. ચક્રવાત મિચોંગને કારણે ભારે નુકસાન સહન કરનાર તમિલનાડુએ કેન્દ્ર પાસેથી 5,600 કરોડ રૂપિયાની સહાયની માંગ કરી હતી. ચેન્નાઈ સહિત અન્ય કેટલાક જિલ્લાના કેટલાક વિસ્તારો હજુ પણ પાણીમાં છે. ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપેટ જિલ્લામાં રાહત કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર/સંજીવ / ડો. હિતેશ
