
નવી દિલ્હી , 8 ડિસેમ્બર(હિ. સ.) અભિનેતા અનિલ કપૂરની 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ‘નાયક’ તે સમયે ખૂબ જ લોકપ્રિય બની હતી. આ ફિલ્મમાં અભિનેતા અનિલ કપૂર અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં હતા. તેની સાથે પરેશ રાવલ, અમરીશ પુરીએ પણ તેમાં જબરદસ્ત ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે એક દિવસ માટે મુખ્યમંત્રી રાજ્યમાં ખરેખર પરિવર્તન લાવે છે. હવે આ ફિલ્મની સિક્વલને લઈને અનિલ કુમારે મોટું નિવેદન આપ્યું છે.
શંકર દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ નાયકનો તે સમયે ભારે ક્રેઝ હતો. દરમિયાન એક ઈન્ટરવ્યુમાં અનિલ કપૂરે પોતે ‘નાયક’ની સિક્વલ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે અનિલ કપૂરે પોતે નાયકની સિક્વલને લઈને મોટી ટિપ્પણી કરી છે. પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક ચાહકને જવાબ આપતાં અનિલ કપૂરે કમેન્ટ કરી છે કે, ‘નાયક-2’ ટૂંક સમયમાં આવશે.
હાલમાં જ અનિલ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર બોબી દેઓલ સાથેની એક પોસ્ટ શેર કરી છે. જેમાં બોબી અને અનિલ બંને શર્ટલેસ જોવા મળી રહ્યા છે. લોકોએ આ ઉંમરે પણ અનિલ કપૂરની ફિટનેસના વખાણ કર્યા છે. આ પોસ્ટ હેઠળ એક ચાહકે અનિલને ‘નાયક-2’ કરવાની ડિમાન્ડ કરી હતી. તે પ્રશંસકને જવાબ આપતાં અનિલ કપૂરે લખ્યું, ‘તેની સિક્વલ ટૂંક સમયમાં બની રહી છે.’
અનિલ કપૂરની આ કોમેન્ટ બાદ હાલમાં સોશિયલ મીડિયા પર ‘નાયક-2’ની ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મની સિક્વલ જોવા માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. આ નવા એપિસોડમાં વાર્તા કેવી હશે, તે જાણવા માટે લોકો ઉત્સુક છે. અનિલ કપૂરે તાજેતરમાં રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’માં કામ કર્યું હતું. લોકોએ તેમના કામની પ્રશંસા કરી છે. તેમજ આ ફિલ્મમાં અનિલ કપૂર સાથે બોબી દેઓલે પણ જબરદસ્ત કમબેક કર્યું છે. જો કે ‘નાયક-2’ને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અનિલ કપૂરની એક ટિપ્પણીના આધારે, દર્શકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર/સુનીલ / ડો. હિતેશ
