
ચેન્નાઈ/અમરાવતી, નવી દિલ્હી, 05 ડિસેમ્બર (હિ.સ.) પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર આવેલું ગંભીર ચક્રવાતી તોફાન મિચોંગ, છેલ્લા 6 કલાક દરમિયાન સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તે આજે (મંગળવારે) સવારે નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. તેની અસરને કારણે, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.
ભારતીય હવામાન વિભાગના ચેન્નાઈ કેન્દ્રે સવારે ચેતવણી આપી છે કે, તમિલનાડુના 10 જિલ્લાઓ એટલે કે ચેન્નાઈ, તિરુવલ્લુર, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, રાનીપેટ અને વેલ્લોરમાં વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે. દરમિયાન, તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને ગઈ કાલે (સોમવારે) ભારે વરસાદને કારણે થયેલા નુકસાન વિશે અધિકારીઓ સાથે ચર્ચા કરી અને રાહત અને બચાવ કામગીરી વિશે માહિતી લીધી.
ચેન્નાઈમાં ગઈકાલે (સોમવારે) ચક્રવાતને કારણે, અલગ-અલગ ઘટનાઓમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાજ્યમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. બંને રાજ્યોમાં અનેક જગ્યાએ પાણી ભરાવાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારતીય હવામાન વિભાગે આજે ઓડિશા, તેલંગાણા અને પોંડિચેરીમાં પણ વરસાદની આગાહી કરી છે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
