નવી દિલ્હી, 01 ડિસેમ્બર (હિં.સ.) એર માર્શલ મકરંદ રાનડેએ શુક્રવારે, એર હેડક્વાર્ટર ખાતે ડાયરેક્ટર જનરલ (નિરીક્ષણ અને સુરક્ષા) તરીકેનો, કાર્યભાર સંભાળ્યો હતો. તેમની હાલની નિમણૂક પહેલા તેઓ, હેડક્વાર્ટર વેસ્ટર્ન એર કમાન્ડમાં વરિષ્ઠ એર સ્ટાફ ઓફિસર હતા. તેમને વર્ષ 2006માં, વાયુ સેના મેડલ (શૌર્ય) અને વર્ષ 2020માં અતિ વિશિષ્ટ સેવા મેડલ પણ, એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ એર માર્શલ સંજીવ કપૂરના અનુગામી છે. જેઓ 38 વર્ષથી વધુની વિશિષ્ટ સેવા પછી 30 નવેમ્બરે નિવૃત્ત થયા હતા.
એર માર્શલ મકરંદ રાનડે, નેશનલ ડિફેન્સ કૉલેજ, નવી દિલ્હી અને કૉલેજ ઇન્ટર આર્મી ડી ડિફેન્સ, પેરિસ (ફ્રાન્સ) ના ભૂતપૂર્વ વિદ્યાર્થી, 06 ડિસેમ્બર 1986 ના રોજ, ભારતીય વાયુસેનાની ફાઇટર શાખામાં કમિશન્ડ થયા હતા. 36 વર્ષથી વધુની તેમની સેવા કારકિર્દી દરમિયાન, તેમણે ફાઇટર સ્ક્વોડ્રન અને બે ફ્લાઇંગ સ્ટેશનના કમાન્ડ સહિત, અનેક મહત્વપૂર્ણ ક્ષેત્ર અને કર્મચારીઓની નિમણૂંકો કરી છે. તેઓ ટેક્ટિક્સ એન્ડ એર કોમ્બેટ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ તેમજ ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજમાં, ડાયરેક્ટર સ્ટાફ રહી ચૂક્યા છે.
તેમણે કાબુલ (અફઘાનિસ્તાન)માં ભારતીય દૂતાવાસમાં, એર એટેચ તરીકે પણ સેવા આપી છે. એર હેડક્વાર્ટરમાં તેમની સ્ટાફની નિમણૂંકોમાં ડિરેક્ટર, પર્સનલ ઓફિસર, પ્રિન્સિપલ ડિરેક્ટર, એર ફોર્સ સ્ટાફ ઇન્સ્પેક્શન ડિરેક્ટોરેટ અને આસિસ્ટન્ટ ચીફ ઑફ એર ફોર્સ ઓપરેશન્સ (સ્પેસ)નો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજય / સુનીત / દધીબલ / માધવી
