નવી દિલ્હી, 30 નવેમ્બર (હિં.સ.) કલિંગા સુપર ફૂટબોલ કપ 9 જાન્યુઆરી 2024થી ઓડિશામાં યોજાશે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ એસોસિએશન (એઆઇએફએફ) એ બુધવારે ઉપરોક્ત માહિતી આપી. આ મેચો ઓડિશામાં બે અલગ-અલગ સ્થળોએ યોજવાનું આયોજન છે.
ઈન્ડિયન સુપર લીગ અને આઈ-લીગ બંને ટીમોને વાર્ષિક ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ટુર્નામેન્ટના ફોર્મેટમાં ચાર ટીમોના ચાર જૂથો હશે, જેઓ એકબીજાની વચ્ચે સિંગલ-લેગ મેચો રમશે. ગ્રૂપના વિજેતાઓ સેમિ-ફાઇનલ માટે ક્વોલિફાય થશે, ત્યારબાદ 28 જાન્યુઆરી, 2024ના રોજ ફાઇનલ થશે.
આઈ-લીગની ટીમો કલિંગા સુપર કપના ગ્રુપ સ્ટેજમાં પહોંચવા માટે ક્વોલિફાયર રમશે જ્યાં ગ્રુપ સ્ટેજમાં તેમના માટે ચાર સ્થાનો અનામત રાખવામાં આવ્યા છે.
કલિંગા સુપર કપના ચેમ્પિયનને એએફસી 2023-24 સિઝનના એસીએલ 2 પ્રારંભિક તબક્કામાં રમવા માટે નામાંકિત કરવામાં આવશે.
એઆઇએફએફ ના પ્રમુખ કલ્યાણ ચૌબેએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે પહેલા લીધેલા નિર્ણય મુજબ, વાર્ષિક સુપર કપ ટુર્નામેન્ટનું આયોજન હવે મોટા અને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ હવે કલિંગા સુપર કપ તરીકે ઓળખાશે અને જાન્યુઆરી 2024માં ઓડિશામાં રમાશે. ભારતીય સ્થાનિક ફૂટબોલ માટે આ એક સકારાત્મક વિકાસ છે. મને વિશ્વાસ છે કે કલિંગા સુપર કપ ઈવેન્ટ અને દર્શકોની દ્રષ્ટિએ જોરદાર હિટ સાબિત થશે.”
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
