
નવી દિલ્હી, 30 નવેમ્બર (હિ. સ.). 119 સભ્યોની તેલંગાણા વિધાનસભા માટે ગુરુવારે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું. ત્રણ કરોડ 26 લાખ મતદારો ચૂંટણી લડી રહેલા 2290 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. આ માટે 35,655 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.
આ ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની એક્સ પોસ્ટમાં મતદારોને ઉત્સાહપૂર્વક ભાગ લેવાની અપીલ કરી છે – ‘હું તેલંગાણાની મારી બહેનો અને ભાઈઓને અપીલ કરું છું કે, તેઓ રેકોર્ડ સંખ્યામાં મતદાન કરે અને લોકશાહીના તહેવારને મજબૂત કરે. હું ખાસ કરીને યુવા અને પ્રથમ વખતના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ એક એક્સ પોસ્ટ શેર કરીને લોકોને તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાનમાં ભાગ લેવાની અપીલ કરી હતી – ‘ફક્ત ભ્રષ્ટાચાર મુક્ત અને ગરીબ તરફી સરકાર જ તેલંગાણાની સમૃદ્ધિ માટે નિઃસ્વાર્થપણે કામ કરી શકે છે. હું તેલંગાણાના લોકોને એવી સરકાર બનાવવા માટે મોટી સંખ્યામાં બહાર આવવા અપીલ કરું છું કે જેની પ્રાથમિકતા સશક્તિકરણ છે, તુષ્ટિકરણ નહીં.
જ્યારે કેન્દ્રીય મંત્રી અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ જી કિશન રેડ્ડીએ દરેકને મતદાન કરવાની વિનંતી કરી અને કહ્યું કે, તે આપણી જવાબદારી અને અધિકાર છે, તેથી બહાર નીકળો અને મતદાન કરો. તેલંગાણામાં સારી સરકાર લાવવાની જવાબદારી તમારા બધાની છે.
વિશેષ વિધાનસભા બેઠકો અને તેલંગાણાના પ્રખ્યાત ચહેરાઓ
ગજવેલ: રાજ્યના મુખ્ય પ્રધાન અને શાસક બીઆઈએસ વડા કે ચંદ્રશેખર રાવ આ વખતે બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. જેમાં ગજવેલ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. સિદ્ધિપેટ જિલ્લાની ગજવેલ વિધાનસભા સીટ માટે કેસીઆર સામે ભાજપના એટાલા રજિન્દરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. રજીન્દર છેલ્લા કેટલાક સમયથી કેસીઆર ના નજીકના સહયોગી રહ્યા છે અને કેસીઆર સરકારમાં નાણા મંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે. 2021માં તેઓ બીઆરએસ છોડીને ભાજપમાં જોડાયા.
કામારેડ્ડી: મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પણ બીજી બેઠક કામારેડ્ડી પરથી ચૂંટણી લડ્યા છે. અહીં તેમનો સામનો તેલંગાણા કોંગ્રેસના અધ્યક્ષ અને પાર્ટીના ઉમેદવાર એ. રેવંત રેડ્ડીનો છે. તેઓ મલ્કાજગીરી લોકસભા સીટથી કોંગ્રેસના સાંસદ છે. ભાજપ તરફ થી પૂર્વ જિલ્લા પરિષદ પ્રમુખ કે. વેંકટ રમણ રેડ્ડીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
કરીમનગરઃ રાજ્યના કરીમનગર જિલ્લાની કરીમનગર વિધાનસભા બેઠક પરથી ભાજપના સાંસદ બી. સંજય કુમાર ચૂંટણી મેદાનમાં છે. 2019માં તેઓ કરીમનગર લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ સીટ પર વિધાનસભા ચૂંટણીમાં તેમનો મુકાબલો કેસીઆર કેબિનેટ મંત્રી ગંગુલા કમલાકર અને કોંગ્રેસના પુરુમલ્લા શ્રીનિવાસ સાથે છે.
જ્યુબિલી હિલ્સઃ હૈદરાબાદના રહેવાસી પૂર્વ સાંસદ અને ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન જ્યુબિલી હિલ્સ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. જ્યારે સત્તાધારી બીઆરએસ એ વર્તમાન ધારાસભ્ય મગંતી ગોપીનાથને ફરીથી ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. લંકાલા દીપક રેડ્ડી આ બેઠક પર ભાજપના ઉમેદવાર છે.
હિન્દુસ્થાન સમાચાર/સંજીવ / ડો. હિતેશ
