ભુજ/અમદાવાદ,28 નવેમ્બર (હિ.સ.) વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કચ્છ જિલ્લામાં પ્રારંભ થઈ ગયો છે. આ યાત્રા કચ્છ જિલ્લાના 635 ગામડામાં જઈને નાગરિકો સુધી સરકારની વિવિધ યોજનાના લાભો પહોંચાડશે. હાલ કચ્છ જિલ્લામાં 06 અત્યાધુનિક રથ ગામડે ગામડે ફરી રહ્યા છે. કચ્છ જિલ્લાના નખત્રાણા, ભુજ, ભચાઉ, માંડવી સહિતના તાલુકાના કુલ 36 ગામોને આવરી લેવામાં આવ્યા છે. અત્યારસુધીમાં 8 હજારથી વધારે લોકો સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી છે.
સરકારની વિવિધ યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા નાગરિકોને મળી રહે તે ઉદેશ્ય સાથે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે. 26 નવેમ્બર સુધીમાં 3 હજારથી વધારે લોકોની આરોગ્યની તપાસણી વિવિધ કેમ્પ અંતર્ગત કરવામાં આવી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મહિલા સાહસિકો અને રમતવીરો તથા સ્થાનિક કારીગરોનું સન્માન પણ કરવામાં આવે છે. અત્યારસુધીમાં વિવિધ કળાઓ થકી પ્રદાન આપનારા 22 કારીગરોનું સન્માન કરીને તેમને બિરદાવવામાં આવ્યા છે. 10 થી વધારે ગામોમાં ખેતીવાડી શાખા અને સહયોગી સંસ્થાઓ દ્વારા ડ્રોન નિદર્શન કરાવીને ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા છે. 274 થી વધારે ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડનો લાભ આપીને તેનું નિદર્શન કરવામાં આવ્યું છે. 392 જેટલા નવા આયુષ્માનકાર્ડ નાગરિકોને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ઘર આંગણે જ બનાવી આપવામાં આવ્યા છે.
આયુષ્માનકાર્ડ અંતર્ગત કોઈપણ પાત્રતા ધરાવતો લાભાર્થી બાકી ના રહી જાય તેના ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 10 થી વધારે ગામોમાં 100 ટકા આયુષ્માનકાર્ડની યોજનાનો લાભ આપીને તમામ નાગરિકોને આવરી લેવામાં આવ્યા છે. 28 ગામમાં 100 ટકા જમીન રેકર્ડ ડિઝિટાઈઝેશનનો લક્ષ્યાંક હાંસલ કરાયો છે. પીએમ કિશાન યોજના અંતર્ગત તમામ 36 ગામમાં 100 ટકા લાભ આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
સરહદી જિલ્લાના કચ્છના વિવિધ ગામડાઓમાં વહીવટીતંત્ર દ્વારા માર્ગદર્શન આપીને નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આપવામાં આવી રહ્યો છે. કચ્છના લોકો માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આર્શીવાદરૂપ બનીને ઊભરી આવી છે.
હિન્દુસ્થાન સમાચાર/
