
અમદાવાદ,27 નવેમ્બર (હિ.સ.) વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર કેટલાક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અને કેટલાક વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 27 નવેમ્બર સુધી માવઠાંની આગાહી કરવામાં આવી હતી. આગાહી મુજબ જ છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જેને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. ગઈકાલે કચ્છથી લઈને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગે આજે પણ વરસાદ પડવાની આગાહી કરી છે.ગુજરાતમાં શિયાળાએ દસ્તક આપવાની શરૂઆત કરી ત્યાં તો માવઠાએ માઝા મૂકી છે. રવિવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સૂસવાટાભેર પવન સાથે માવઠું થતાની સાથે ઠંડીનો પણ અનુભવ થઇ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે મોટાભાગના વિસ્તારોમાં મિની વાવાઝોડા, વીજળીના કડાકા સાથે વરસાદ પડયો હતો. જેમા સૌથી વધુ સુરેન્દ્રનગરના ચુડામાં સૌથી વધુ ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રવિવારે માવઠાને પગેલે વરસાદ અને વિજળી પડતા રાજ્યમાં 16 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે 50થી વધુ પશુના પણ મૃત્યું થયા છે. તો બીજી બાજુ ખેડૂતોને પણ રોવાનો વારો આવ્યો છે. તુવેર, કપાસ, ગુવાર, કાપેલા ડાંગરના પાકને પણ ભારે નુકસાન થયું છે. વરસાદને કારણે જેમના ઘરે લગ્ન પ્રસંગ હતો તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં જેવા કે સુરત, નવસારી અને વલસાડમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની વકી છે.
જ્યારે સૌરાષ્ટ્રમાં અન્ય જગ્યાએ અને કચ્છમાં હળવાથી મધ્યમની શક્યતા દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે થવાની આગાહી છે. જ્યારે અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, બોટાદ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અન્ય જગ્યાએ અને કચ્છમાં હળવાથી મધ્યમની શક્યતા દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગના આંકડા મુજબ, રવિવારે સવારે 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં એટલે કે 14 કલાકમાં 233 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સુરેન્દ્રનગરના ચુડામાં સૌથી વધારે 4.5 ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત 16 તાલુકામાં 2 ઇંચ, સુરતમાં 4 ઈંચ, ઉમરપાડામાં 3.5 ઇંચ, નડીયાદમાં 3.5 ઇંચ, કુકરમુંડામાં 3 ઈંચ, અમરેલી, ભાભર, અંકલેશ્વરમાં 2.5 ઇંચ, રાધનપુર, મોડાસા, માંડવીમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો.
કમોસમી વરસાદને કારણે ખેતરમાં વાવેલા પાક પર પાણી ફરી ગયું હતું. જેના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો. ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં માવઠાના કારણે ચણા, જીરું અને કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે પાકમાં રોગ આવવાની શક્યતાઓ વધી જતી હોવાથી ખેડૂતો ભયમાં જોવા મળી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર/
