રાજપીપલા/અમદાવાદ,24 નવેમ્બર (હિ.સ.)આદિવાસી બાહુલ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેકવિધ ફ્લેગશીપ યોજનાકીય લાભોની માહિતી ઘરઆંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ -રથયાત્રા ગામેગામ ભ્રમણ કરી રહી છે. આજે નાંદોદ તાલુકાના તોરણા અને અણીજરા ગ્રામપંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા, ગામની મહિલાઓ-ગ્રામજનોએ કંકુ તિલક કરીને રથનું સ્વાગત કર્યુ હતુ.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથા તથા આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટેના ભાવિ આયોજન અને યોજનાઓ અંગે આધુનિક રથના માધ્યમથી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ નિહાળ્યા બાદ સૌ ગ્રામજનોએ ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક પ્રતિજ્ઞા કરી હતી.
આ તકે આરોગ્ય વિભાગ, આઇ.સી.ડી.એસ. ખેતીવાડી વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સેવાઓ પુરી પાડવામા આવી હતી.ગામમાં નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો પણ ગ્રામજનોએ મોટા પ્રમાણમાં લાભ લીધો હતો.
આ પ્રસંગે નાંદોદ પ્રાંત અધિકારી કે.ટી.ઇટાલીયા,પ્રાથમિક શિક્ષણનાધિકારી જયેશ પટેલ, નાંદોદ તાલુકા વિકાસ અધિકારી એ.જે.ચૌધરી,લાઇઝન અધિકારીઓ,ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ગામના સંરપચઓ, આગેવાનો,આંગણવાડી કાર્યકર બહેનો, આરોગ્ય વિભાગની ટીમ સહિત ગામજનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર//માધવી
