રાજકોટ/અમદાવાદ,23 નવેમ્બર (હિ.સ.) રાજયના ખેડૂતોને રવિ સીઝનમાં યોગ્ય માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર 24 અને 25 નવેમ્બર, એમ બે દિવસીય રાજ્યનાં તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ જેતપુર ધારાસભ્ય જયેશ રાદડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી ઉંધાડ પરિવાર સમાજ, મું. થાણાગાલોળ,તા: જેતપુર ખાતે યોજાશે.
જેમાં પ્રથમ દિવસે કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાશે જયારે બીજા દિવસે બહોળા પ્રમાણમાં ખેડૂતો પ્રદર્શનનો લાભ લે તે હેતુસર પ્રદર્શન ખુલ્લુ રાખવામાં આવશે. કાર્યક્રમની સાથોસાથ પશુપાલન વિભાગ દ્વારા સ્થાનિક કક્ષાએ 24 નવેમ્બરના રોજ થાણાગાલોળ મુકામે તથા 25 નવેમ્બરના રોજ, ધર્મભક્તિ ગૌશાળા, જેતપુર ખાતે એમ 2 દિવસ માટે પશુ આરોગ્ય કેમ્પ કરવામાં આવનાર છે.
ખેડુતો દ્વારા પ્રાકૃતિક કૃષિના એક મોડેલ ફાર્મની મુલાકાત પણ લેવામાં આવશે. કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકઓ દ્વારા પ્રાકૃતિક ખેતી, ખેતી ખર્ચના ઘટાડા માટે ઇનપુટ્સના કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનના વધારા અંગે કૃષિ વૈજ્ઞાનિક દ્વારા વક્તવ્ય, ઈન્ટરનેશનલ મીલેટ યર ને ધ્યાને લઇ શ્રી અન્ન (મીલેટ), બાગાયત પાકોમાં નવીનત્તમ ટેકનોલોજી, FPOની કામગીરી જેવા વિષયો સેમીનારમાં આવરી લઇ કાર્યક્રમમાં ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં કૃષિ, બાગાયત, આત્મા, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ વિભાગ, મિલેટસમાંથી બનાવેલી વાનગીઓનું પ્રદર્શન, સેલ્ફ હેલ્પ ગ્રુપ, પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શન, ડ્રોન ટેકનોલોજી, સુક્ષ્મ પિયત પદ્ધતિ, કિસાન ક્રેડીટ કાર્ડ, બીજ નિગમ, ફાર્મ મિકેનાઈઝેસનના સ્ટોલ ઉપરાંત તાલુકા કક્ષાએ વિવિધ નાગરિકલક્ષી સેવાઓ આપવા માટે સેવા સેતુ જેવા કાર્યક્રમ અન્વયે અંદાજિત 30 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવશે. તાલુકા કક્ષાના કાર્યક્રમમાં અંદાજીત 500ની સંખ્યામાં, ખેડુતો હાજર રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોય, જેતપુર તાલુકાનાં તમામ ખેડૂતભાઈઓને આ કાર્યક્રમનો લાભ લેવા તાલુકા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર//માધવી
