દેહરાદૂન, નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરકાશીના સિલ્ક્યારા સુરંગમાં ફસાયેલા 41 કામદારોના સુરક્ષિત પરત લાવવા માટે કરવામાં આવી રહેલી રાહત અને બચાવ કામગીરી અંગે સતત અપડેટ લઈ રહ્યા છે. વડાપ્રધાને, બુધવારે પાંચમી વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રીને ફોન કર્યો અને આવશ્યક ચીજવસ્તુઓ વિશે પૂછપરછ કરી.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા વડાપ્રધાન સાથેની તેમની વાતચીતની માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાને ફોન પર વાત કરી અને ઉત્તરકાશીના સિલ્ક્યારામાં નિર્માણાધીન સુરંગ માં ફસાયેલા કામદારોને ખોરાક, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ચાલી રહેલી બચાવ કામગીરી વિશે માહિતી લીધી.
મુખ્યમંત્રી એ, વડાપ્રધાનને કેન્દ્રીય એજન્સીઓ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને રાજ્ય વહીવટીતંત્ર વચ્ચેના પરસ્પર સંકલનથી હાથ ધરાયેલી બચાવ કામગીરી વિશે માહિતી આપી હતી. આ દરમિયાન, તેમને છેલ્લા 24 કલાકમાં થયેલી સકારાત્મક પ્રગતિ અને કામદારો અને તેમના પરિવારો વચ્ચેની વાતચીતથી વધેલા મનોબળ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે તેમને વડાપ્રધાન તરફથી સતત માર્ગદર્શન મળી રહ્યું છે. જે શ્રમિક ભાઈઓને ઝડપથી અને સલામત રીતે પૂરી તાકાતથી બહાર કાઢવા માટે દરરોજ અમને સૌને નવી ઉર્જા પ્રદાન કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / રાજેશ / સંજીવ / ડો. હિતેશ / માધવી
