ચિત્રકૂટ, નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ. સ.) ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં મંગળવારે બપોરે નેશનલ હાઈવે પર રોડવેઝ જનરથ બસ અને કાર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક માસુમ બાળક સહિત, પાંચ લોકોના મોત થયા હતા. છ લોકો ઘાયલ છે. ઘટનાની માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મામલાની તપાસ કરી હતી. પોલીસ મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. ઘાયલો અને મૃતકોમાં મોટાભાગના મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું કહેવાય છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. મૃતકના આત્માની શાંતિની કામના કરતા, તેમણે શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ ઈજાગ્રસ્તોના જલદી સાજા થવાની કામના કરી હતી.
ઉત્તર પ્રદેશ પરિવહન નિગમની જનરથ બસ (યુપી-78 એફટી 7912) ચિત્રકૂટ જિલ્લા મુખ્યાલય કારવીથી પ્રયાગરાજ જઈ રહી હતી. એક મધ્યપ્રદેશ નંબરની કાર પ્રયાગરાજથી ચિત્રકૂટ તરફ આવી રહી હતી. રૈપૂરા ના બગરેહી ગામ પાસે બંને વાહનો સામસામે અથડાયા હતા. માર્ગ અકસ્માતમાં કારમાં સવાર એક માસુમ બાળક સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. છ લોકો ઘાયલ છે.
ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા મેજિસ્ટ્રેટ અભિષેક આનંદ અને પોલીસ અધિક્ષક વૃંદા શુક્લા ઘટનાસ્થળે પહોંચી ગયા, એમ્બ્યુલન્સ બોલાવી અને ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ અને રામનગર હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્રણ લોકોને પ્રયાગરાજ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા.
જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે, અકસ્માતનું મુખ્ય કારણ વિરુદ્ધ દિશામાંથી આવતી બોલેરો હોવાનું કહેવાય છે. માર્ગ અકસ્માતમાં એક બાળક સહિત પાંચ લોકોના મોત થયા છે. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ થઈ શકી નથી પરંતુ તેઓ મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસ ટીમ મૃતકો અને ઘાયલોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / રતન / દીપક / દિલીપ / માધવી
