યમુનાનગર, નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.). હરિયાણાના જગાધરી-પોંટા સાહિબ નેશનલ હાઈવે પર પિપલી માજરા ગામ પાસે શનિવારે રાત્રે બે ટ્રક વચ્ચે સીધી ટક્કર બાદ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે બંને ટ્રકના ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયા હતા અને બંને બળીને ખાખ થઈ ગયા હતા. પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.
છછરૌલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ જગદીશ બિશ્નોઈએ આજે સવારે જણાવ્યું કે, નેશનલ હાઈવે 73-એ પર કામ ચાલી રહ્યું છે. એક ટ્રક કન્સ્ટ્રક્શન મટિરિયલ લઈને જઈ રહી હતી. તે ટ્રક પીપલી માજરા પાસે ભૂસા ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ પછી બંને ટ્રકમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. ટ્રકમાં ફસાયેલા ચાલકોએ પસાર થતા લોકો પાસે પણ મદદ માંગી હતી, પરંતુ જોરદાર જ્વાળાઓને કારણે કોઈની હિંમત થઈ ન હતી. થોડી જ વારમાં બંને ટ્રકના ચાલકો રાહદારીઓની સામે બળીને ખાખ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે ટ્રકોને રસ્તા પરથી હટાવી દેવામાં આવી છે. અકસ્માતને પગલે કલાકો સુધી લાંબો ટ્રાફિક જામ થયો હતો. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ નથી.
હિન્દુસ્થાન સમાચાર/અવતાર/મુકુંદ / માધવી
