
નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ.) જમૈકાના દોડવીર ક્રિસ્ટોફર ટેલરને ડોપિંગ વિરોધી નિયમોના ઉલ્લંઘન બદલ 30 મહિના માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. એથ્લેટિક્સ ઇન્ટિગ્રિટી યુનિટ (એઆઈયુ) એ શુક્રવારે ઉપરોક્ત માહિતી આપી હતી.
એઆઈયુ એ જણાવ્યું હતું કે, 2022 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જમૈકાને 4×400 મીટર રિલેમાં સિલ્વર મેડલ જીતવામાં મદદ કરનાર ટેલર, લગભગ એક વર્ષ પહેલાં સ્પર્ધાની બહારની કસોટીમાં નમૂના સંગ્રહ સબમિટ કરવામાં નિષ્ફળ ગયો હતો.
આ વર્ષની શરૂઆતમાં, ટેલરને એથ્લેટિક્સ ઇન્ટિગ્રિટી યુનિટ (એઆઈયુ) દ્વારા વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સી (ડબલ્યુએડીએ) એન્ટી ડોપિંગ કોડની કલમ 2.3નું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. છ મહિનાની તપાસ બાદ ખબર પડી કે, 23 વર્ષીય ખેલાડી નવેમ્બર 2022માં ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો.
ડબલ્યુએડીએ એન્ટિ-ડોપિંગ કોડ કલમ 2.3 જણાવે છે કે, લાગુ એન્ટી-ડોપિંગ નિયમોમાં અધિકૃત સૂચનાને અનુસરીને નમૂના એકત્રિત કરવાનું ટાળવું, અથવા યોગ્ય કારણ વિના નમૂના સંગ્રહ સબમિટ કરવામાં ઇનકાર અથવા નિષ્ફળતા, ઉલ્લંઘન ની શ્રેણી માં આવે છે
નવેમ્બર 2022 માં એન્ટી ડોપિંગ અધિકારીઓ દ્વારા ટેલરનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેઓ ટેલરે સૂચિબદ્ધ કરેલા સ્થાન પર પરીક્ષણ કરવા આવ્યા હતા.
જો કે, જ્યારે અધિકારીઓ પહોંચ્યા, ત્યારે ટેલર સૂચિબદ્ધ સ્થાન પર ન હતો અને તેણે તેનું ઠેકાણું અપડેટ કર્યું ન હતું. તેના બદલે, ટેલર નોર્મન મેનલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હતો.
સસ્પેન્શન એક વર્ષ પહેલાથી અમલમાં આવ્યું છે અને ટેલર, મે 2025 માં ફરીથી સ્પર્ધા કરવા માટે પાત્ર બનશે.
હિન્દુસ્થાન સમાચાર/સુનીલ / ડો. હિતેશ
