
અમદાવાદ, 14 નવેમ્બર(હિ. સ.)-અમદાવાદમાં દિવાળી પર્વની એક જ રાતમાં આગ લાગવા અંગેના 88 બનાવ બનતા ફાયર વિભાગનો સ્ટાફ રાતભર આગ લાગવાના સ્થળે આગ બુઝાવવા સતત દોડતો રહયો હતો.24 કલાકમાં આગ લાગવાના 137 બનાવ બનવા પામ્યા હતા.ત્રણ દિવસમાં ફટાકડાના કારણે આગ લાગવા અંગેના 210થી પણ વધુ બનાવ બન્યા હતા.સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ થવા પામી નહોતી.
અમદાવાદમાં 10 નવેમ્બરને ધનતેરસના દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં આગ લાગવાના 28 બનાવ બન્યા હતા.11 નવેમ્બરને કાળી ચૌદશના દિવસ દરમિયાન આગ લાગવા અંગેના 42 બનાવ બનવા પામ્યા હતા.12 નવેમ્બરને દિવાળીની રાતે 10 થી સવારના 6 કલાક સુધીના સમયમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં આગ લાગવા અંગેના કુલ મળીને 88 બનાવ બનવા પામ્યા હતા.શહેરના ન્યૂ વાસણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણપાર્ક-3 ની પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં ફટાકડાથી આગ લાગતા આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા ફાયર વિભાગ દ્વારા ફાયર ફાઈટર,ગજરાજ સહિતના અન્ય વાહનોની મદદથી આગને કાબુમાં લીધી હતી.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાના કહેવા મુજબ,ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવેલા વેસ્ટને કારણે આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ.શહેરના વિવિધ વિસ્તારમાં ફટાકડાના કારણે આગ લાગવાના 210 થી વધુ કોલ ફાયર વિભાગને મળ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે
