નવી દિલ્હી, 7 નવેમ્બર (હિ. સ.) ફિલ્મ ‘ડોન-3’ની જાહેરાત બાદ દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત હતા, પરંતુ ચાહકોની આ ઉત્સુકતા એક ક્ષણમાં ગુસ્સામાં ફેરવાઈ ગઈ, જ્યારે સ્પષ્ટ થઈ ગયું કે મુખ્ય ભૂમિકા માટે રણવીર સિંહને લેવામાં આવ્યો છે. આ રોલ માટે રણવીરની પસંદગીથી દર્શકો બિલકુલ સંતુષ્ટ નથી અને તેની ટીકા કરી છે. હવે એક નવું અપડેટ સામે આવી રહ્યું છે કે, પ્રિયંકા ચોપડા આ ફિલ્મ સાથે જોડાશે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, ફિલ્મ ‘જી લે ઝરા’ની કાસ્ટ હજુ સુધી ફાઈનલ થઈ નથી, તેથી ફરહાન અખ્તર સૌથી પહેલા ‘ડોન-3’ પર ફોકસ કરશે. ફરહાન ટૂંક સમયમાં પ્રિયંકા ચોપડા અને રણવીર સિંહ સાથે ‘ડોન-3’નું શૂટિંગ શરૂ કરશે. પ્રિયંકા હાલમાં જ ફરહાન અખ્તરને મળી હતી અને ‘ડોન-3’ વિશે વાત કરી હતી.
પ્રિયંકા ડોનના અગાઉના બંને વર્ઝનમાં, રોમાના રોલમાં જોવા મળી હતી. આ પહેલા ‘ડોન-3’ માટે કૃતિ સેનન અને કિયારા અડવાણીને પણ લેવામાં આવી હતી, પરંતુ જ્યારે બંનેએ આ ઓફર નકારી કાઢી ત્યારે આખરે ફરહાને પ્રિયંકાને લેવાનું નક્કી કર્યું. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એ નિશ્ચિત છે કે, પ્રિયંકા આ ફિલ્મમાં જોવા મળશે.
પ્રિયંકા ચોપડા આ પહેલા પણ રણવીર સિંહ સાથે ગુંડે, બાજીરાવ મસ્તાની અને દિલ ધડકને દોમાં, સાથે કામ કરી ચૂકી છે. બંનેના કામની વાત કરીએ તો રણવીર સિંહ હાલમાં ‘સિંઘમ અગેન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. જયારે પ્રિયંકા ચોપડા તેના કેટલાક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ પૂર્ણ કરી શકે છે અને ‘ડોન-3’ માટે, સમય કાઢી શકે છે. પ્રિયંકા ‘સિટાડેલ-2’માં પણ જોવા મળશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
