નવી દિલ્હી, 07 નવેમ્બર (હિ. સ.) કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે, સ્થાનિક ઉદ્યોગને ખાતરી આપી છે કે, યુરોપિયન સંઘ (ઇયુ) કાર્બન ટેક્સને ભારત સ્વીકારશે નહીં, પરંતુ ઉત્પાદકો અને નિકાસકારોની સુરક્ષા માટે પગલાં લેશે.
ગોયલે મંગળવારે અહીં આયોજિત ‘આઈએસએ સ્ટીલ કોન્ક્લેવ 2023’ની ચોથી આવૃત્તિને સંબોધિત કરતા આ વાત કહી. તેમણે સ્ટીલ જેવા ચોક્કસ ક્ષેત્રોમાંથી આયાત પર કાર્બન ટેક્સ લાદવાના ઇયુના નિર્ણય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. પોતાના સંબોધનમાં વાણિજ્ય મંત્રીએ કહ્યું કે, યુરોપિયન સંઘ અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુટીઑ)માં કાર્બન ટેક્સ પર ભારત પોતાની ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે. ગોયલે કહ્યું કે, ભારત ઉત્પાદકો અને નિકાસકારોને બચાવવા માટે પગલાં લેશે. તેમણે કહ્યું કે, ભારત તેની વધતી વસ્તીની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયે રોકાણ તરફ આગળ વધી રહ્યું છે.
એક અહેવાલ અનુસાર, 1 જાન્યુઆરી 2026 થી યુરોપિયન યુનિયનમાં પસંદગીની આયાત પર સીબીએએમને 20 થી 35 ટકા ટેક્સમાં રૂપાંતરિત કરવામાં આવશે. સ્ટીલ, સિમેન્ટ, ખાતર, એલ્યુમિનિયમ અને હાઇડ્રોકાર્બન ઉત્પાદનો જેવા સાત કાર્બન સઘન ક્ષેત્રો સાથે સંકળાયેલી સ્થાનિક કંપનીઓએ, આ વર્ષે 1 ઓક્ટોબરથી યુરોપિયન સંઘ સાથે કાર્બન ઉત્સર્જનના ડેટા શેર કરવા પડશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત / ડો. હિતેશ / માધવી
