રાયપુર/સુકમા/કાંકેર, નવી દિલ્હી, 05 નવેમ્બર (હિ.સ). છત્તીસગઢના સુકમા જિલ્લામાં રવિવારે આઈઈડી વિસ્ફોટ થતાં એક નક્સલી માર્યો ગયો હતો. તે જ સમયે, રાજ્યના કાંકેર જિલ્લાના અંતાગઢ વિસ્તારમાં સવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન જવાનોએ નક્સલવાદીઓના એક કેમ્પને નષ્ટ કરી દીધો હતો. આ અથડામણ માં કેટલાક નક્સલીઓના ઘાયલ થવાના પણ સમાચાર છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુકમા જિલ્લામાં મુકરમ અને માર્કાગુડા વચ્ચે આઈઈડી પ્લાન્ટ કરતી વખતે થયેલા વિસ્ફોટમાં એક નક્સલવાદી માર્યો ગયો હતો. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. તે જ સમયે, રાજ્યના કાંકેર જિલ્લાના પોલીસ અધિક્ષક, દિવ્યાંગ પટેલે જિલ્લામાં અથડામણ ની પુષ્ટિ કરી છે. પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, ડીઆરજી અને બીએસએફની સંયુક્ત ટીમ વહેલી સવારે અંતાગઢ વિસ્તારમાં શોધખોળ માટે નીકળી હતી. આ દરમિયાન સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. જવાનોનો દાવો છે કે, આ અથડામણમાં ઘણા નક્સલવાદીઓ ગોળીઓથી ઘાયલ થયા છે.
હિન્દુસ્થાન સમાચાર/કેશવ શર્મા/પવન / માધવી
