નવી દિલ્હી, 02 નવેમ્બર : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરી પહેલા દિલ્હી સરકારના અન્ય મંત્રીના ઘરે દરોડા પાડ્યા છે. ઇડીએ મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા રાજકુમાર આનંદ સાથે જોડાયેલા પરિસર પર દરોડા પાડ્યા છે.
સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે, દિલ્હીના કેબિનેટ મંત્રી રાજકુમાર આનંદના ઘરે ઇડી ના દરોડા ચાલુ છે. કેન્દ્રીય એજન્સીની સિવિલ લાઈન્સ વિસ્તારમાં સ્થિત તેમના નિવાસસ્થાન સહિત મંત્રી સાથે સંબંધિત 9 જગ્યાઓ પર સર્ચ ચાલુ છે.
મળતી માહિતી મુજબ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની એક ટીમ પણ દરોડા પાડી રહેલા ઇડી અધિકારીઓની સાથે છે. રાજકુમાર આનંદ, 57, દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ અને એસસી/એસટી (અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ) કલ્યાણ મંત્રી છે. તેઓ પટેલ નગર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે.
