નવી દિલ્હી, 01 નવેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, આજે સવારે લગભગ 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય સહાયથી તૈયાર કરાયેલા ત્રણ વિકાસ પ્રોજેક્ટનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે. આ ત્રણ પ્રોજેક્ટ છે – અખૌરા-અગરતલા ક્રોસ બોર્ડર રેલ લિંક, ખુલના-મોંગલા પોર્ટ રેલ લાઇન અને મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટનું યુનિટ-II.
અખૌરા-અગરતલા ક્રોસ-બોર્ડર રેલ લિંક પ્રોજેક્ટ ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશને આપવામાં આવેલી રૂ. 392.52 કરોડની ગ્રાન્ટની રકમથી તૈયાર કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશમાં 6.78 કિમી લાંબી ડ્યુઅલ ગેજ રેલ લાઇન અને ત્રિપુરામાં 5.46 કિમી લાંબી રેલ લાઇન સાથે રેલ જોડાણની કુલ લંબાઈ 12.24 કિમી છે.
ખુલના-મોંગલા પોર્ટ રેલ લાઇન પ્રોજેક્ટનું નિર્માણ ભારત સરકારની રાહત ધિરાણ સુવિધા હેઠળ કરવામાં આવ્યું છે, જેની કુલ પ્રોજેક્ટ કિંમત 388.92 મિલિયન અમેરિકી ડોલર છે. આ પ્રોજેક્ટમાં મોંગલા પોર્ટ અને ખુલનામાં હાલના રેલ નેટવર્ક વચ્ચે લગભગ 65 કિલોમીટરના બ્રોડગેજ રેલ માર્ગનું નિર્માણ સામેલ છે. આ સાથે બાંગ્લાદેશનું બીજું સૌથી મોટું બંદર મોંગલા બ્રોડગેજ રેલ્વે નેટવર્ક સાથે જોડાયેલું છે.
મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ,1.6 બિલિયન અમેરિકી ડોલર ના ભારતીય કન્સેશનલ ફાઇનાન્સિંગ પ્લાન લોન હેઠળ, બાંગ્લાદેશના ખુલના ડિવિઝનમાં રામપાલ ખાતે સ્થિત 1320 મેગાવોટ (2×660 ) સુપર થર્મલ પાવર પ્લાન્ટ (એમએસટીપીપી) છે. આ પ્રોજેક્ટ બાંગ્લાદેશ-ઈન્ડિયા ફ્રેન્ડશિપ પાવર કંપની (પ્રાઈવેટ) લિમિટેડ દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે. તે ભારતની એનટીપીસી લિમિટેડ અને બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (બીપીડીબી) વચ્ચેની સંયુક્ત સાહસ કંપની છે. બંનેનો તેમાં અડધો હિસ્સો છે. મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટના યુનિટ-1નું સંયુક્તપણે સપ્ટેમ્બર 2022માં બંને વડાપ્રધાનો દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું અને યુનિટ-2નું આજે ઉદ્ઘાટન થવાનું છે. મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટનું સંચાલન બાંગ્લાદેશમાં ઊર્જા સુરક્ષાને વધારશે. આ પ્રોજેક્ટ્સ આ પ્રદેશમાં કનેક્ટિવિટી અને ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવશે.
