
નવી દિલ્હી, 27 ઓક્ટોબર (હિ. સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શુક્રવારે) ભગવાન શ્રી રામના પવિત્ર સ્થળ ચિત્રકૂટની મુલાકાત લેશે. તેઓ મધ્યપ્રદેશના સતના જિલ્લાના જાનકી કુંડ (ચિત્રકૂટ) સ્થિત શ્રી સદ્ગુરુ સેવા સંઘ ટ્રસ્ટમાં બપોરે લગભગ 1.45 વાગ્યે આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી, રઘુબીર મંદિરમાં પૂજા અર્ચના કરશે અને દર્શન કરશે. તેઓ શ્રી રામ સંસ્કૃત મહાવિદ્યાલય જશે. આ ઉપરાંત સ્વર્ગસ્થ શ્રી અરવિંદ ભાઈ મફતલાલની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ, તેઓ જાનકી કુંડ હોસ્પિટલની નવી શાખા (સેલ)નું ઉદ્ઘાટન કરશે.
આ સમય દરમિયાન, વડાપ્રધાન મોદી સ્વ. શ્રી અરવિંદ ભાઈ મફતલાલની શતાબ્દી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આયોજિત જાહેર કાર્યક્રમમાં પણ ભાગ લેશે. શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટની સ્થાપના, વર્ષ 1968માં સંત રણછોડદાસજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. મહારાજ દ્વારા, શ્રી અરવિંદ ભાઈ મફતલાલ પ્રેરિત હતા. તેમણે ટ્રસ્ટની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
શ્રી અરવિંદ ભાઈ મફતલાલ દેશની આઝાદી પછી ભારતના અગ્રણી ઉદ્યોગસાહસિકોમાંના એક હતા. તેમણે દેશના વિકાસની ગાથામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વડાપ્રધાન તેમની ચિત્રકૂટ મુલાકાત દરમિયાન તુલસીપીઠની પણ મુલાકાત લેશે. તેઓ બપોરે લગભગ 3.15 વાગ્યે કાંચ મંદિરમાં પ્રાર્થના કરશે. તેઓ તુલસી પીઠના જગદગુરુ રામાનંદાચાર્યના આશીર્વાદ પણ લેશે અને જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. અહીં તેઓ ત્રણ પુસ્તકો ‘અષ્ટાધ્યાયી ભાષા’, ‘રામાનંદાચાર્ય ચરિતમ’ અને ‘ભગવાન શ્રી કૃષ્ણની રાષ્ટ્રલીલા’નું વિમોચન કરશે. તુલસી પીઠની સ્થાપના જગદગુરુ રામભદ્રાચાર્ય દ્વારા વર્ષ 1987માં કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
