


નાગપુર, નવી દિલ્હી, 24 ઓક્ટોબર (હિ. સ.). રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવતે કહ્યું છે કે, દેશમાં છેલ્લા કેટલાક સમયથી નફરત પેદા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ દળો લોકોને ભડકાવવા અને હિંસા ફેલાવવા પર તત્પર હોય છે, જેના કારણે નાની ઘટનાઓને અતિશયોક્તિ કરીને મોટા પાયે પ્રસારિત કરવામાં આવે છે. દેશ-વિદેશમાં હિંસા ભડકાવવા માટે એક ‘ટૂલકીટ ગેંગ’ સક્રિય છે. સરસંઘચાલકે અપીલ કરી હતી અને કહ્યું હતું કે, આ બાબતોને સમયસર ઓળખી લેવી જોઈએ અને આ પ્રચારની ઘાતક જાળમાંથી પોતાને મુક્ત કરવી જોઈએ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 98માં સ્થાપના દિવસ પર નાગપુરના ઐતિહાસિક રેશિમ બાગ મેદાનમાં પરંપરાગત રીતે આયોજિત વિજયાદશમી કાર્યક્રમમાં સ્વયંસેવકોને સંબોધતા સંઘના વડાએ કહ્યું, ‘સમાજને વિખેરી નાખવા અને વિભાજન વધારી ને સંઘર્ષ કરવાના જોરદાર પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. જોકે આ લોકો પોતાને સાંસ્કૃતિક માર્ક્સવાદી કહે છે, તેઓ 1920ના દાયકાથી માર્ક્સને ભૂલી ગયા હતા. તેઓ તમામ દુન્યવી પ્રણાલીઓ, શુભતા, સંસ્કારો અને સંયમની વિરુદ્ધ છે. દેશમાં પોતાના રાજકીય હિત માટે પ્રતિસ્પર્ધીને હરાવવાના હેતુથી આવી અનિચ્છનીય શક્તિઓ સાથે સહયોગ કરવો અવિવેકી છે. સરસંઘચાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સમાજની એકતા માટે આપણે રાજકારણથી આગળ વધીને વિચારવું પડશે.
મણિપુર હિંસા કોણે ભડકાવી..?
મણિપુરમાં જાતિય હિંસા પર ચિંતા વ્યક્ત કરતા ડૉ.મોહન ભાગવતે અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા એક દાયકાથી શાંતિપૂર્ણ મણિપુરમાં આ સંઘર્ષ અચાનક કેવી રીતે ફાટી નીકળ્યો? શું સરહદ પારના આતંકવાદીઓ પણ હિંસા આચરનારાઓમાં હતા? શા માટે મણિપુરીના, જેઓ તેમના અસ્તિત્વના ભવિષ્ય વિશે ભયભીત છે તેવા મૈતેઈ સમુદાય અને કુકી સમુદાય વચ્ચેના આ પરસ્પર સંઘર્ષને વંશીય અથવા ધાર્મિક સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો, તેમાં કોણ હતું અને શું તેમાં બાહ્ય શક્તિઓ સામેલ હતી? આ પ્રશ્નો ઉઠાવવા સાથે, ડૉ. ભાગવતે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિના ઉકેલ માટે બહુપક્ષીય પ્રયાસોની જરૂર છે. રાજકીય ઈચ્છાશક્તિ, અનુરૂપ સક્રિયતા અને કાર્યક્ષમતા એ સમયની જરૂરિયાત છે ત્યારે સમાજના પ્રબુદ્ધ નેતૃત્વએ પણ પરસ્પર અવિશ્વાસની ખાઈને દૂર કરવામાં વિશેષ ભૂમિકા ભજવવી પડશે.
ખેલાડીઓ, વૈજ્ઞાનિકો અને કેન્દ્ર સરકારને અભિનંદન
તેમના વિજયાદશમીના સંબોધનમાં, સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે એશિયન ગેમ્સમાં ભારતના ઐતિહાસિક પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે, ભારતીય ખેલાડીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું. તે જ સમયે, ચંદ્રયાનની સફળતા પર, વિશ્વને ભારતની શક્તિ, બુદ્ધિ અને કુશળતાની ઝલક પણ જોવા મળી. દેશના નેતૃત્વથી વૈજ્ઞાનિકોની કાર્યક્ષમતા વધુ મજબૂત બની છે. આપણો દેશ દરેક ક્ષેત્રે અગ્રેસર છે. આર્થિક સ્થિતિમાં પણ પ્રગતિ જોવા મળી રહી છે. આપણે સ્ટાર્ટઅપ્સની ક્રાંતિ પણ જોઈ છે.
શ્રી રામ આપણા હૃદયમાં પણ બિરાજમાન થાય
સંઘ પ્રમુખે કહ્યું કે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામલલા બિરાજશે. સિસ્ટમના અવરોધો અને સુરક્ષા સાવચેતીઓને ધ્યાનમાં રાખીને, અયોધ્યામાં આ શુભ અવસરમાં મર્યાદિત સંખ્યામાં લોકો જ ભાગ લઈ શકશે. બાદમાં, તમે તમારી અનુકૂળતા મુજબ જઈને રામલલાના દર્શન કરી શકશો. અયોધ્યામાં રામ મંદિરમાં શ્રી રામલલાના પ્રવેશની સાથે જ સરસંઘચાલે દરેકને તેમના હૃદયમાં સ્થાન આપવા અને અયોધ્યાને તેમના હૃદયમાં શણગારવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, અયોધ્યામાં આયોજિત કાર્યક્રમ સમયે આપણે પોતપોતાના મંદિરો અને સ્થળોએ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરીને આપણી સહભાગિતા વ્યક્ત કરવી જોઈએ.
દેશે આંબેડકરના આદર્શોને અનુસરવા જોઈએ
આરએસએસ ના સરસંઘચાલે દેશમાં એકતા જાળવવા માટે વિશેષ પ્રયાસો કરવાની હાકલ કરી હતી. ડૉ.બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં એકતાનો સિદ્ધાંત આપ્યો છે. દેશે તેમના આદર્શોને અનુસરવા પડશે. બંધારણ આપતી વખતે આદરણીય ડો.બાબાસાહેબ આંબેડકર દ્વારા બંધારણ સભામાં આપેલા બે ભાષણો પર ધ્યાન આપીશું, તો તેનો સાર સમજી શકીશું. સરસંઘચાલે કહ્યું કે, દરેક વ્યક્તિએ આંબેડકરના ભાષણોનો અભ્યાસ કરવો જોઈએ.
મતદાન સમાજની રાષ્ટ્રીય ફરજ
આ પ્રસંગે ડો.મોહન ભાગવતે લોકશાહીના તહેવાર અને મતદાનના મહત્વની પણ યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે, આગામી લોકસભા ચૂંટણી 2024માં યોજાશે. ચૂંટણીના મેદાનમાં લાગણીઓ ભડકાવીને મત મેળવવાના પ્રયાસો અપેક્ષિત નથી, પરંતુ કમનસીબે આવી ઘટનાઓ બનતી રહે છે. સમાજમાં ભાગલા પાડતી બાબતોથી આપણે પોતાને દૂર રાખવા જોઈએ. મતદાન એ દરેક નાગરિકની ફરજ છે. દરેક વ્યક્તિએ તેનું પાલન કરવું જોઈએ. દરેક વ્યક્તિએ દેશની એકતા, અખંડિતતા, ઓળખ અને વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ. તેમણે કહ્યું કે, ઉપલબ્ધ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પર મતદાન કરવું જોઈએ.
સંઘના સ્થાપકને વંદન
સંઘ સ્થાપના દિવસ પર વિજયાદશમીના સંબોધન પહેલા સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવત અને સમારોહના મુખ્ય અતિથિ પદ્મશ્રી શંકર મહાદેવન (સંગીતકાર અને ગાયક) સ્મૃતિ મંદિર ગયા હતા અને સંઘના સ્થાપક ડો. કેશવ બલીરામ હેડગેવાર અને બીજા સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકર ઉપાખ્ય ગુરુજી ની સ્મૃતિને પુષ્પાંજલિ અર્પણ કરી. આ પહેલા, તેમણે નાગપુરના સ્વયંસેવકો દ્વારા કાઢવામાં આવેલ પથ-સંચલન (રૂચ માર્ચ)નું પણ નિરીક્ષણ કર્યું હતું. સમારોહના સ્થળે પહોંચી શસ્ત્ર પૂજન કર્યું હતું. આ સમારોહમાં આરએસએસના વડા દત્તાત્રેય હોસબાલે, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, સંતો, આરએસએસના અગ્રણી અધિકારીઓ અને સમાજના અગ્રણી પુરુષો અને સ્ત્રીઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/મનીષ//જિતેન્દ્ર / ડો. હિતેશ/હર્ષ શાહ
